અષાઢ વદ અમાસ
આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે સવારે તાહી-ધોઈ વાર્તા સાંભળવી અને દશ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢણી બનાવી, તેનુ પૂજન કરવું. દશમે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવી. પાંચ વર્ષ પૂરાં થયે આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી.
અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ.
રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું: “જા તો, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે ?” દાસી તો તરત જ નદી કિનારે ગઈ ને બોલી: “બહેનો! તમે બધાં ભેગાં મળી શું કરી રહ્યાં છો?”
એક સ્ત્રી બોલી : “બહેન ! અમે દશામાનું વ્રત કરીએ છીએ.”
દાસી બોલી : “આ વ્રત કેવી રીતે થાય ?!” પેલી સ્ત્રી બોલી : “દસ સૂતરના તાંતણા લઈ, દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંલ્લા કરવા.”
“આ વ્રત કરવાથી શો લાભ થાય ?”
“આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાનસુખ મળે.”
દાસી તો બધું જાણીને રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી. રાણીબા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયાં. તેમણે મનોમન નક્કી કરી લીધું કે ‘પોતે પણ દશામાનું વ્રત કરશે.!
રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી. રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી, અને ઉપરથી તેને સંભળાવી દીધું કે “તારે વળી શેની ખોટ છે? ધન દોલત, સુખ- સાહ્યબી, રાજપાટ, સંપત્તિ બધું જ છે; તો પછી વ્રત શા માટે કરવું જોઈએ ?”
રાજાના આવા અહંકારભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ. તે તો ખાધા-પીધા વિના રિસાઈને સૂઈ ગયાં.
રાજાના અહંકારભર્યાં વચનો સાંભળીને દશામા કોપાયમાન થયાં. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયાં, કોઠાર પણ ખાલી થઈ ગયાં. રાજ્યની પ્રજા ચીંથરે- હાલ થઈ ગઈ.
Step-by-Step Guide to Performing Dasha Ma Vrat 2024
રાજા-રાણી તો હાથે-પગે ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયાં. તેઓ થાક્યાં પાક્યાં ત્યાં આરામ કરવા બેઠાં કે આખી વાડીનાં ફૂલો સુકાઈ ગયાં.
રાજા-રાણી ત્યાંથી ચાલી નીકળ્યાં. સાથે બંને કુંવરો પણ હતા.
ચારેય જણા ચાલતાં રાણીની બહેનપણીને ઘેર આવ્યાં. બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું, એટલે તે ખિજાઈને બોલી : “જા જા, ભિખારણ! મારાં રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી !”
આવાં વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યાં રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી, એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયાં કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધાં. આ જોઈ રાજા-રાણી કલ્પાંત કરવા લાગ્યાં. રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે.
રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેમણે રાણીને આશ્વાસન આપતાં કહ્યું : “કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા, તેણે લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામા આપણા ઉપર કોપ્યાં લાગે છે.”
તેઓ કલ્પાંત કરતાં કરતાં આગળ વધ્યાં. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બહેનને સંદેશો મળતાં તેમને લાગ્યું કે ‘જરૂર ભાઈને કોઈ દુઃખ પડયું છે, નહિતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહિ.
આમ વિચારી બહેને સુખડી બનાવી, માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે ‘પોતાની સગી મા-જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઇચ્છતી હોય, જરૂર આ દશામાનો કોપ જ છે.’ આમ વિચારી રાજાએ તે માટલીને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યાં.
આગળ જતાં એક મોટી નદી આવી, નદીકાંઠે ચીભડાંના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું : “ભાઈ ! અમને ખૂબ જ ભૂખ લાગી છે. એક ચીભડું ખાવા આપો તો સારું.” ખેડૂતે તેમને એક ચીભડું તોડીને આપ્યું. રાજા-રાણીને નીમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહિ, તેથી રાણીએ ચીભડું સાલ્લામા સંતાડી દઈ સુઈ ગયાં. એવામાં અજાણ્યા સૈનિકો ગામમાં ગયો હતો, તેથી તે સૈનિકો તેને શોધતાં શોધતાં અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાલ્લામાં કાંઈક સંતાડેલું જોઈ બોલ્યાયી “બહેન ! તમારા સાલ્લામાં આ શું છે ?”
“ભાઈ! આ તો ચીભડું છે.” સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કાપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું.
આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા : “તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે.” આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ, વગર વિચાર્યે તેમને કેદખાનામાં પૂરી દીધાં.
આમ, રાજા-રાણી જેલમાં દુ:ખના દિવસો પસાર કરવા લાગ્યાં. સમય જતાં વાર લાગતી નથી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે ‘રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે.’ એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને દશમે દિવસે માટીની સાંઢણી બનાવી. પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી.
રાણીની ભક્તિ જોઈ દશામા તેના ઉપર પ્રસન્ન થયાં. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યાં : “હે રાજન ! તે આ રાજા-રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યાં છે. તો તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે.””
સવાર થતાં રાજાએ ઊઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા-રાણીને કેદમાંથી મુક્ત કર્યાં અને તેમની માફી માગી. પછી સારાં વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યાં. હવે રાજા-રાણીને લાગ્યું કે ‘આપણી વળતી દશા લાગે છે, ચાલો આપણે ઘેર જઈએ.,
તેઓ ચાલતાં ચાલતાં બહેનને ગામને પાદરે આવ્યાં. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. રાજા તે સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામા એમના બંને કુંવરને લઈને ઊભાં હતાં.
રાજા-રાણી આવ્યાં, એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. રાજાએ તેમને પૂછ્યું: “તમને આ કુંવરો ક્યાંથી મળ્યા ?” તેના જવાબમાં દશામા પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયાં અને તેમને આશીર્વાદ આપતાં કહ્યું: “હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો, અને રાજ્ય સંભાળી લો.”
રાજા-રાણી દશામાનાં ચરણોમાં ઢળી પડ્યાં અને તેમની માફી માગી. રાજા-રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યાં. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો, તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી, ભેટી પડી અને બોલી : “બહેન ! બહુ દિવસે. આવ્યાં ? આજે તો તેમને નહિ જવા દઉં.”
રાણીએ કહ્યું : “મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો. તેથી હવે અમે અહીં રહીશું નહિ.” આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યાં. ત્યાંથી ચાલતાં તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યાં. સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઇ ગઈ. ગામ માં સમાચાર પહોંચ્યા કે રાજા-રાણી દુઃખ વેઠીને પાછાં આવે છે.’
ગામના લોકોએ વાજતે-ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યાં. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજા-રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું.
જય દશામા ! તમે જેવાં રાજા-રાણીને ફળ્યાં, તેવાં સૌ વ્રત કરનારને ફળજો.
2 thoughts on “10 દિવસ દશામાનું વ્રત કથા ગુજરાતી માં”