શ્રાવણ વદ પાંચમ 24 મી ઓગસ્ટ 2024 શનિવાર ના રોજ નાગપંચમી છે.
શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી, ઘીનો દીવો કરી, પૂજા કરવી. પછી બાજરીના લોટની કુલેર બનાવી ધરાવવી. તે દિવસે એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઊતરે છે.
નાગપંચમી ની વ્રત કથા
ધરમપુર નામે એક ગામ હતું. આ ગામમાં એક ડોશી રહેતી. તે ડોશીને સાત દીકરા. ડોશીએ આ સાતેય દીકરાઓને પરણાવી દીધેલા, તેથી સાતેય વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા-બાપ હતાં; પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ હતું નહિ. અવારનવાર બધાં એને નબાપી કહીને મેણાં મારતાં ! એટલું જ નહિ, ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતાં અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહિ. વધ્યું-ઘટ્યું જે હોય તે આપી દેતા.
એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો. નાની વહુને ચડતાં દાડા હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણુંય મન થયું, પણ શું કરે ? તેને ખાવાનું કહ્યું નહિ.
બધાએ સાથે બેસી જમી લીધું. પછી સાસુએ એને બૂમ પાડી કહ્યું :
“અલી નબાપી ! જા, જે વધ્યું-ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠાં વાસણો હોય તે નદીએ જઈ ઊટકી આવ !”
નાની વહુ તો રસોડામાં ગઈ. તેણે ખીરનું તપેલું જોયું તો ખાલીખમ. તેની આંખમાં આંસુ આવી ગયાં. ખાલી બે-ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું. એ ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ.
તેણે નદીએ જઈ બધાં વાસણો તબકડામાંથી બહાર કાઢ્યાં. એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી. નાની વહુ તો ખીર જોઈ રાજીરાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે ‘વાસણ ઊટકીને પછી આ ખીર પી જઈશ.’
નાની વહુ તો વાસણ ઊટકી નદીમાં નાહવા ગઈ. નાહીને પછી તે બહાર આવી. વાટકી પાસે ગઈ, તો વાટકી ખાલી. આ તેમાં સહેજ પણ ખીર નહોતી.
નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી, તે ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી, અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે. પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી: “આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે, એવું ખાનારીનું કરજો.”
આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી બોલી : “બેટી ! મને ખૂબ ભૂખ લાગી હતી, એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે ?”
નાની વહુએ તો બધી વાત કરી. “મારા પિયરમાં કોઈ નથી, તેથી બધાં મને સાસરીમાં દુઃખ આપે છે. મને નબાપી કહે છે. મને સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું ?”
આટલું બોલતાં બોલતાં તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. નાગણીને તેની ઉપર દયા આવી. તેણે નાની વહુને શાંત પાડતાં કહ્યું: “બેટી ! તું રડીશ નહિ. આજથી અમને તારાં પિયરિયાં માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ.”
નાની વહુ તો હરખાતી હરખાતી વાસણોનું તબકડું માથે મૂકી ઘેર ચાલી. તે ઘેર આવી આનંદના દિવસો પસાર કરવા લાગી. થોડા વખત પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો, એટલે એની જેઠાણી તેને મહેણું મારતાં બોલી :
નાગપંચમી Historical Significance of Nag Panchami 2024
નાગપંચમી વિશે વધુ જાણવા માટે ઉપર આપેલી લિંક પર ક્લીક કરો.
“આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા શાના ઓરતા છે ?”
પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ ધ્યાન આપ્યું નહિ. તેણે તો એક કંકોતરી લખી છાનીમાની નાગણીના રાફડા પાસે મૂકી આવી.
અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો, એટલે સાસુએ ટોણો માર્યો: “ઝટ કરો! ચૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયાં આવશે, ને ગાડું ભરીને કપડાં ને ઘરેણાં લાવશે.”
એટલામાં તો નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરનાં ચીર અને સોના, રૂપા તથા હીરાનાં ઘરેણાં લઈને આવ્યાં. આટલું બધું જોઈ બધાનાં મોં સીવાઈ ગયાં.
સાસુએ તો સાચેસાચ આંધણ મૂક્યું, એટલે નાગણીએ કહ્યું : “અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ, બીજું કાંઈ નહિ.”
સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડયું. એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો. પછી દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું, એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત નાગકુટુંબ ચપોચપ દૂધ પી ગયાં.
પછી નાની વહુને ખોળો ભર્યો. એ સમયે નાગકુટુંબે હીરનાં ચીર, સોનું-રૂપું, હીરા-માણેક જોઈએ તેટલું આપ્યું. આ જોઈ સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ.
ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું: “વેવાણ ! અમારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વળાવીશું.”
સાસુમાએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા. તેમણે કહ્યું: “બેટી ! તું ગભરાઈશ નહિ. અમારી પાછળ પાછળ ચાલી આવ.”
બધા રાફડામાં પ્રવેશ્યા. નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી. અંદર એક મોટું ભોંયરું અને તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈ નાની વહુની બીક ટળી ગઈ.
મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળાખાટ હતી. તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી, નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા.
નાગણે કહ્યું : “બેટી ! તું તારે અહીં ખાઈ-પીને આનંદ કર. અહીં કાંઈ કામ કરવાનું નથી. તારે ફક્ત સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાણા આ ઘંટડી વગાડવાની, એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે, એટલે તારે એને દૂધ પાવાનું.
નાની વહુએ કહ્યું: “ભલે”
આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા, અને સમય પસાર વર્ષ નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો.
એક દિવસ નાની વહુએ ઊકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ. ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો. તેણે પેલી ઘંટડી જોઈ, છોકરાએ ઘંટડી વગાડવા માંડી, ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ. ઘંટડી બે નાગકુમારોનાં પૂંછડાં પર પડી, એટલે તેમનાં પૂંછડાં કપાઈ ગયાં. બીજા બે દૂધ પીવા ગયા, પણ ગરમ ઊકળતા દૂધથી તેમનાં મોઢાં બળી ગયા.
Table of Contents નાગપંચમી
નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા ! નાની વહુ દોડતી ઘરમાં આવી. તેણે પોતાના ભાઈઓને બાંડિયા- બૂચિયા જોયા. પણ તે શું કરે ? નાના બાળકને શું કહે ? નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા : “અમે તારા છોકરાને કરડીશું.”
એટલામાં નાગમાતા આવી પહોંચ્યા. તેમણે નાગકુમારોને શાંત કર્યા. પણ તેમના મનમાંથી વેર ગયું નહિ.
નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી. એને એક સોનાનો ચૂડો અને સાચાં રેશમી વસ્ત્રો આપ્યાં. પછી બોલ્યાં : “બેટી ! જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે.”
નાની વહુ પિયરથી સાસરે આવી. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી. બીજી વહુઓને તેના પર ઈર્ષ્યા આવવા લાગી.
પેલા નાગકુમારોને થયું કે ‘અહીં માતાએ આપણને તે છોકરાને કરડતાં વાર્યા, પણ ત્યાં કોણ વારશે?, એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં આવતાં તેને ઠેસ વાગી, એટલે તે બોલી: “ખમ્મા ! મારા બાંડિયા—બૂચિયા વીરોને.”
આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે ‘બહેન આપણને હજી પણ કેટલા સંભારે છે !’
બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ સંપ વાગતાં તે ફરી બોલી : “ખમ્મા ! મારા બાંડિયા—બૂચિયા વીરોને !”
નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા.
એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ છણકો કરતાં બેલી: “અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમે તો મોટા ઘરના છો, કાલે ગાયો-ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું?”
નાની વહુને તો ખોટું લાગ્યું. તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાની દુઃખની વાત કહી સંભળાવી.
નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું : “બેટી ! તું ઘેર જઈ વાડો કરાવ. હું કાલે ગાયો-ભેંસો મોકલાવીશ.”
વહુએ તો ઘેર આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા-બૂચિયા ભાઈઓ પુષ્કળ ગાયો-ભેંસો લઈને આવી પહોંચ્યા. બહેનનો વાડો તો ભરાઈ ગયો. બહેને થોડી ગાયો- ભેંસો જેઠાણીઓને આપી, તેથી તેઓ પણ ખુશખુશ થઈ ગયાં. આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો.
હે નાગદેવતા ! તમે જેવા નાની વહુને ફળ્યાં તેવાં આ નાગપંચમી વ્રત કરનારને, કથા કરનાર-સાંભળનાર સૌને ફળજો.
1 thought on “નાગપંચમી: Significance of Nag Panchami 2024”