મહાશિવરાત્રી 2024

મહાશિવરાત્રી નું વ્રત: મહા વદ ચૌદશ

મહાશિવરાત્રી 2024

મહાશિવરાત્રીનું વ્રત મહા વદ ચૌદશને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે પહોર શિવપૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારતે વૈકુંઠમાં વાસ મળે છે. તેને માતાના ગર્ભમાં આવવાપણું રહેતું નથી.

મહાશિવરાત્રી એટલે મહા વદ ચૌદશનો દિવસ ! આ દિવસે મધ્યરાત્રીએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. તે દિવસ શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે.

આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે.

કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો. તે જીવહિંસા કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. મહા વદ ચૌદશને દિવસે તે વહેલી સવારે ખાધા-પીધા વગર તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસ મહાશિવરાત્રી નો હતો, તેથી રસ્તે આવતા-જતા લોકો એકબીજાને ‘શિવ શિવ’ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાએ ‘શિવ શિવ’ કહ્યું, તેણે પણ દેખાદેખીમાં ‘શિવ શિવ’’ બોલ્યો. આમ જાણ્યે-અજાણ્યે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું.

Maha Shivratri 2024 Significance and Rituals

આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડયો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહિ. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો. સાંજ પડતાં તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું, અને લિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું. પારધી તરસ્યો હોવાથ સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી. પછી તે આ બીલીના ઝાડ પર ચઢીને શિકારની રાહ જોવા લાગ્યો.

ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની બે—ત્રણ ડાળી આવી જતી હતી. આથી તેનાં પાંદડાં નડતાં હતાં. એટલે તે બેઠો બેઠો બીલીનાં પાંદડાં તોડી નીચે ફેંકતો હતો. અજાણતાં જ આ પાંદડાં નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતાં હતાં.

આમ કરતા રાતના અગિયાર વાગ્યા.

ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા ઝાડ પર જેવો આઘો-પાછો થયો કે ઝાડ પરથી કેટલાંક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યાં. પાંદડાંના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો

પારધી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું :

“હે પારધી ! તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ

પહેલાં મને એકવાર મારા ઘેર જઈ બધાંને મળી આવવા દે.” પારધીએ પહેલાં તો તેની વાત માની નહિ, પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા, એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન ઓપી તેને જવા દીધી. હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો.

થોડીવાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે ત્યાં હરણીએ પણ કાલાવાલા કર્યા, એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી.

પારધી બંને હરણ-હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે સમય પસાર કરવા બીલીપત્રોના પાન તોડી નીચે નાખતો હતો. આ બીલી પત્રો શિવલિંગ પર પડતાં હતાં. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો.

થોડીવાર બાદ હરણાનાં બચ્ચાં ત્યાં પાણી પીવા માટે આવ્યાં. હરણાનાં બચ્ચાંઓએ પણ પારધીને કહ્યું: “હે પારધી ! અમે અમારાં માતા-પિતાને મળી પાછાં આવીશું, તું અમને જવા દે.” પારધીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધાં.

હરણ, હરણી અને તેનાં બચ્ચાં બધાં ઘેર ભેગા મળ્યાં અને તેમણે પારધીને આપેલ વચન જણાવ્યું. બધાં પારધીનાં વચન પ્રમાણે પાછાં સરોવરના કિનારે આવી પહોંચ્યાં અને બોલ્યાં :

“હે પારધી ! અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યાં છીએ. હવે તું અમને મારીને તારાં બાળબચ્ચાં માટે ભોજન લઈ જા.”

આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયાં. તેને મનમાં થયું કે “હરણાં કેવાં સાચાં અને વિશ્વાસુ છે.’ હરણાંની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો, અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે ‘આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહિ.’

તેણે હરણાંઓને છોડી દીધાં.

આથી હરણાંએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા.

એ જ વખતે આકાશમાંથી એક દેવવિમાન ઊતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું :

“હે પારધી ! તેં જાણ્યે-અજાણ્યે મહાશિવરાત્રીનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલીપત્રો ચડાવ્યાં છે અને હરણાંઓને મુક્ત કર્યાં છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ હરણાં પણ શાપમાંથી મુક્ત બન્યાં છે, એટલે હું તને અને આ હરણાંઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું, ચાલ.”

આ સાંભળી પારધી અને બધાં હરણાં વિમાનમાં બેઠા. પારધીનો અને હરણાંઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી ! મહાશિવરાત્રીનું વ્રત જેમ પારધીને અને મૃગલાંઓને ફળ્યું એમ સૌને ફળજો.

2 thoughts on “મહાશિવરાત્રી 2024”

Leave a Comment