શીતળા સાતમ: Shitla Satam Katha in Gujarati 9th & 25th August

Shitla Satam 9th & 25th August 2024 Sunday


શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે. શીતળા સાતમ ના દિવસે રાધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે. એ દિવસે ચૂલો સળગાવવો નહિ. ઘીનો દીવો કરી શીતળા માં ની વાર્તા સાંભળવી.

એક ગામમાં ડોશીમા પોતાના બે દીકરા-વહુઓ સાથે રહેતાં હતાં. તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી, સાદી હતી. બંને દેરાણી-જેઠાણીને એક-એક દીકરો હતો.

રાંધણછઠ્ઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠ્ઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતાં રાધતાં મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો, એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતાં સૂતાં છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતાં ધવડાવતાં તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહ્યો.

મધરાત થતાં શીતળા માં ફરવા નીકળ્યાં. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયાં. તેઓ તેમાં આળોટ્યાં અને દાઝ્યાં. એમણે શાપ આપ્યો : “જેવું મારું શરીર બળ્યું, તેવું તારું પેટ બળજો.”

શીતળા માં તો શાપ આપીને ચાલ્યાં ગયાં. નાની વહુએ સવારે ઊઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો.

તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી શીતળા માં કોપાયમાન થયાં છે. આથી તે શીતળા સાતમ ના દિવસે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતાં દોડતાં ત્યાં આવી પહોંચ્યા.

તેઓ છોકરાને જોઈ બોલ્યાં: “નાની વહુ ! રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી જ શીતળા માં તારી ઉપર કોપાયમાન થયાં છે. તું તારા છોકરાને લઈને શીતળા માં ની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે.”

શીતળા સાતમ ના દિવસે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી, ચાલી નીકળી.
રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવ માંથી પાણી પીવા ગઈ કે તળાવ માંથી અવાજ આવ્યો :

સાતમ આઠમ, Nag Pancham

“બાઈ! તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે, એ તો કહે ?”

એટલે નાની વહુ બોલી : “શીતળા માં મારી ઉપર કોપાયમાન થયાં છે, એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માગવા જાઉં છું.”

“બહેન ! તું શીતળા માં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવાં તે શાં પાપ કર્યાં હશે, કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો કોઈ ભૂલેચૂકે પીએ છે તો મરી જાય છે.” નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી-રડતી આગળ ચાલવા લાગી.

આગળ જતાં રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક-એક પડ હતું. તેઓ લડતા હતા.

નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા: “બહેન! તું કેમ રડે છે ?”

“શીતળા માં મારી ઉપર કોપ્યાં છે, એટલે માફી માગવા જાઉં છું.”

“તો બહેન! શીતળા માં ને અમારું પણ પૂછતી આવજેને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીનાં પડ બાંધ્યાં છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ?’”

“સારું !” કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલીધેલી ડોશીમા માથું ખંજવાળતાં બેઠાં હતાં. એને જોઈ ડોશીમા બોલ્યાં : ‘બહેન ક્યાં જાય છે ? જરા મારું માથું જોતી જાને ?”

નાની વહુ દયાળુ હતી. તેને શીતળા માં ની દેરીએ જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાં ના માથા માંથી ઘણી લીકો અને જૂઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતાં કહ્યું : “જેવુ મારું માથું ઠર્યું, એવું તારું પેટ ઠરજો.”

આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો. ડોશી ના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહિ, પણ શીતળામા જ છે. તે શીતળા માં નાં ચરણોમાં ઢળી પડી.

ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળા માં ઊભાં રહી ગયાં. નાની વહુએ શીતળા માં નાં દર્શન કરી તેમની માફી માગી.

પછી નાની વહુએ તળાવ ના પાણી વિશે પૂછતાં, શીતળા માં એ કહ્યું :

“બેટી ! ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહિ. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપે. તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ-પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે.”

નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માં એ કહ્યું : “બેટી ! આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી-જેઠાણી હતાં. તેઓ એટલાં બધાં ઈર્ષ્યાળુ હતાં કે અડોશ- પડોશના કોઈ તેમના ઘેર દળવા—ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે, તો તેઓ સંપીને રહેશે.”

આટલું કહી શીતળા માં અંતર્ધ્યાન થઈ ગયાં. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળા માં ની વાત – કહી સંભળાવી અને ગળેથી ઘંટીનાં પડ છોડી દીધાં. આથી તેઓ લડતા બંધ થઈ ગયા.

આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળા માં ની વાત કહી સંભળાવી. પછી તેમના શાપનું નિવારણ – માટે તળાવ માંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવાં માંડયાં.

પછી નાની વહુ છોકરાને લઈને પોતાને ઘેર આવી. ઘેર આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયાં, પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહિ.

સાસુએ પૂછ્યું : “વહુ બેટા ! આ બધું કેવી રીતે બન્યું?” ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી.

બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ્ઠ આવી, ને બીજા દિવસે શીતળા સાતમ હતી. ત્યારે જેઠાણીને થયું કે ‘હું પણ દેરાણી જેવું કરું. આથી મને પણ શીતળા માં નાં દર્શન થશે.’

રાંધણ છઠ્ઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. શીતળા સાતમ ના દિવસે મધરાત થતાં શીતળા માં ફરવા આવ્યાં. તેઓ જેવા ચૂલામાં આળોટ્યા કે દાઝ્યાં, એટલે શીતળા માં એ જેઠાણીને શાપ આપ્યો : “જેણે મને બાળી છે, એનું અંતર બળજો.”

બીજે દિવસે સવારે ઊઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુ:ખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી.

રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ, ત્યાં એક અવાજ સંભળાયો : “પાણી પીશ નહિ, નહિતર મરી જઈશ.”

જેઠાણીએ પાણી પીધું નહિ, એટલે તળાવે પૂછ્યું : “બહેન ! તું ક્યાં જાય છે ?”

જેઠાણીએ કહ્યું: “હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત ?” આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું : “બહેન ! તું ક્યાં જાય છે?”

આ સાંભળી જેઠાણી, ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતાં બોલી: “હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત!”

આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહિ, અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી.

આગળ જતાં રસ્તામાં પેલી મેલીઘેલી ડોશી મળી. તે માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને કહ્યું: “બહેન મારું માથું જોઈ આપને !”

આ સાંભળી જેઠાણી બોલી: “હું કાંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું! હું તો શીતળા માં ની શોધમાં જાઉં છું.

આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી, પણ ક્યાંય શીતળા માં નો ભેટો ન થયો ! આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી.

દેરાણી ભક્તિ-ભાવ વાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી.

હે શીતળા માં ! તમે જેવાં દેરાણીને ફળ્યાં, એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો.

Shitla Satam has two dates: Sunday the 11th and 25th of August,2024.
here is the whole katha in Gujarati about Shitla Satam. If you read more articles about the Hindu god deity, click the link below. Shitla Satam is a kind of vrata, whoever listens to this Shitla Satam Katha Mataji blessed them.

2 thoughts on “શીતળા સાતમ: Shitla Satam Katha in Gujarati 9th & 25th August”

Leave a Comment