શ્રાવણ માસ: સાકરિયો સોમવાર અને ભાખરિયો સોમવાર 2024

શ્રાવણ માસ: સાકરિયો સોમવાર

શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું. આ વ્રત ઘણું કઠણ છે. સોમવારે સવારે વહેલા ઊઠી નાહી- ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી ૧૦૦ ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. પછી સાકરના ચાર સરખા ભાગ કરી, એક ભાગ મહાદેવજીને ધરાવવો, સાકરનો બીજો ભાગ રમતાં બાળકને આપવો, ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી, કૂવા કે તળાવમાં પધરાવી દેવો. શ્રાવણ માસના પ્રથમ સોમવારના આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. પછી સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી.

ત્રંબાવટી નામની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો, એટલે તેને કોઈ કન્યા આપતું નહિ. તેણે કોઢ મટાડવા ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા નિષ્ફળ રહ્યા. તેણે કોઢ મટાડવા માટે એક મહાત્માને પૂછતાં તેમણે કહ્યું : “તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે.”

શ્રાવણ માસના પ્રથમ સોમવારથી બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યું એટલે તેનો કોઢ મટી ગયો, અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેનાં લગ્ન પણ થઈ ગયાં. તે પોતાની પત્ની સાથે આનંદમાં રહેવા લાગ્યો.

બોળચોથનું વ્રત તથા શ્રાવણ માસના અન્ય વ્રતો

ચોમાસું આવ્યું. તે વરસે ઘણો વરસાદ પડયો. આખી નગરી તેમાં તણાઈ ગઈ. ઢોર-ઢાંખર મરી ગયાં, ખેતરમાં ઊભા પાક પણ તણાઈ ગયા. આ વરસાદમાં બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું. વરસાદ સતત એક અઠવાડિયા સુધી પડતો રહ્યો. બધા નિરાધાર બની ગયા. વરસાદ બંધ રહેતા બ્રાહ્મણે માંડ માંડ એક ઝૂંપડું બાંધી આશરો મેળવ્યો. રહેવા માટે ઘર તો મળ્યું, પણ ખાવું શું? સૌને પોતપોતાની પડી હતી, ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે? છેવટે બ્રાહ્મણે કંટાળીને પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો. આ વાત તેણે પોતાની પત્નીને જણાવી.

પત્નીએ તેને આશ્વાસન આપતાં કહ્યું : “તમે સુખેથી પરદેશ જાવ. મારી કોઈ જાતની ચિંતા કરશો નહિ. હું મહેનત- મજૂરી કરીને મારું ગુજરાન ચલાવી લઈશ.”

પત્ની તરફથી નિશ્ચિંતતાનું આશ્વાસન મળતાં બ્રાહ્મણ બીજે દિવસે એકલો પરગામ કમાવા માટે ચાલી નીકળ્યો. તે ઘણો ફર્યો, પણ ક્યાંય તેનું ઠેકાણું પડયું નહિ. તે ફરતો ફરતો એક ઋષિના આશ્રમે આવી પહોંચ્યો. બ્રાહ્મણે ઋષિમુનિની ખૂબ જ સેવા કરી, એટલે ઋષિએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું : “આ ગુટિકા ઘસીને પિવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે.”

ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ તે ગુટિકા લઈને ચાલી નીકળ્યો. તે ચાલતાં ચાલતાં એક નગરમાં આવી પહોંચ્યો. તેણે નગરના બધા માણસોને શોકમાં દીઠા. તેણે તપાસ કરી જાણ્યું તો ‘આ નગરના રાજાનો કુંવર આજે સવારે જ મરણ પામ્યો હતો.’ બ્રાહ્મણને ઋષિએ આપેલી ગુટિકા યાદ આવી. તે તરત જ રાજભવનમાં ગયો અને રાજાને બધી વાત કરી.

રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત માની નહિ. તેણે કહ્યું: “ભાઈ! મરેલો માણસ તો કાંઈ સજીવન થાય ખરો?” બ્રાહ્મણનો ઘણો આગ્રહ જોઈ રાજાએ તેને અખતરો કરવાની છૂટ આપી.

પ્રાચીન પવિત્ર વ્રતકથાઓ

બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું. પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ધસી, તેનો રગડો કુંવરના મુખમાં રેડ્યો. થોડીવારમાં તો કુંવરના શરીરમાં ચેતન આવ્યું. તે આળસ મરડીને ઊભો થયો.

વહાલસોયા કુંવરને સજીવન થયેલો જોઈ રાજા-રાણી તો ખુશ ખુશ થઈ ગયાં. તેમણે બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. બ્રાહ્મણ રાજમહેલમાં આનંદથી રહેવા લાગ્યો.

આ બાજુ બ્રાહ્મણી બિચારી દુઃખમાં દિવસો પસાર કરતી હતી, એવામાં શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગામની બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું. પરંતુ ઘરમાં કાંઈ ન હોવાથી તે કેવી રીતે ભગવાનને સાકર ચડાવે? એ તો બિચારી ભગવાનનું નામ લેતી ભૂખી બેસી રહી.

એવામાં ગામના નગરશેઠને ઘેર દીકરાનો જન્મ થયો. એણે આખા ગામમાં સાકરનાં પડીકાં વહેંચ્યાં. એક પડીકું બ્રાહ્મણીને ઘેર પણ આવ્યું. તેણે આ પડીકામાંથી થોડી સાકર લઈને તેનું પાણી કરીને પીધું, તેથી તેને ટાઢક વળી. તે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ.

એવામાં બ્રાહ્મણીને સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં મહાદેવજીએ સાક્ષાત્ તેને દર્શન દીધાં. મહાદેવજીએ તેને કહ્યું: “હે બ્રાહ્મણી ! તેં જાણ્યે-અજાણ્યે પણ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યાએ કર્યું હતું, જેના પ્રતાપે તે મને પામી હતી. તું પણ આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે, કારણ કે હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું.” “પ્રભુ ! આ વ્રત કેવી રીતે કરાય ?”

મહાદેવજીએ કહ્યું :

“શ્રાવણ માસના પહેલાં સોમવારથી આ વ્રત શરૂ થાય.

સોમવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ શંકર ભગવાનના નામનો હીવો કરવો. પાછી ૧૦૦ ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરી, એક ભાગ મહાદેવાજીને ચડાવવો, બીજો ભાગ રમતાં બાળકને આપવો, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવો અને ચોથો ભાગ નદી- તળાવમાં પપરાવી દેવો.

તે દિવસે નકોરડો ઉપવાસ કરવો, પ્રસાદ તરીકે રાખેલ ભાગની સાકરનું પાણી કરી, તરસ લાગે ત્યારે પીવું. એ દિવસે સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ‘જય મહાદેવજી’ એમ હુંકારો દેવાનો.


સાંજે મહાદેવજીનું પૂજન, દીવો અને આરતી કરવાં. રાત્રે જમીન પર શેતરંજી પાથરીને સૂવું.

આ પ્રમાણે સોળ સોમવાર કરી છેલ્લા સોમવારે વ્રતની ઉજવણી કરવાની. ઉજવણીમાં સવાશેર ઘઉંના લોટમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખી બધું ભેગું કરી એના કુલ ચાર લાડુ બનાવવા. એમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો લાડુ રમતાં બાળકને આપવો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો અને ચોથો લાડુ પોતાને માટે રાખવો. આ બધું અંધારું થતાં પહેલાં એટલે કે દીવા વેળા થતાં પહેલાં કરી લેવું.” આમ કહી મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણીની આંખ ઊઘડી ગઈ.

બ્રાહ્મણીને સ્વપ્નની વાત યાદ રહી ગઈ. તેણે સોળ સોમવાર સુધી આ વ્રત વિધિપૂર્વક કરવાનું ચાલુ કરી દીધું. એટલે તે મનમાં ને મનમાં ચિંતા કરવા લાગી કે વ્રત તો શરૂ કર્યું પણ તેને ઉજવીશ કેવી રીતે ? પૈસા વગર શું કરીશ ?

આ બાજુ મહાદેવજીએ બ્રાહ્મણને સ્વપ્નમાં દર્શન દીધાં અને પોતાને ઘેર પાછા ફરવાનું કહ્યું. બ્રાહ્મણે સવાર થતાં રાજાને પોતાના ઘેર જવા માટે કહ્યું. રાજાએ તેને ઘણું ધન- ઝવેરાત આપ્યું. બ્રાહ્મણ તે બધું લઈ ઘેર આવ્યો. બ્રાહ્મણી તો બ્રાહ્મણને જોઈ રાજી રાજી થઈ ગઈ. બ્રાહ્મણે ઋષિએ આપેલ ચમત્કારિક ગુટિકાની બધી વાત કરી અને મહાદેવજીએ સ્વપ્નમાં કહેલ વાત પણ જણાવી.

શ્રાવણ માસની પ્રાચીન પવિત્ર વ્રતકથાઓ

ભાહ્મણીએ બ્રાહ્મણને સાકરિયા સોમવારની વાત કરી. છેલ્લો સોમવાર આવતા બંને પતિ-પત્નીએ સાથે મળીને વ્રતની ઉજવણી કરી, પાછી બંને જણાં મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યાં. હવે તેમને કોઈ વાતનું દુઃખ નહોતું. એકાદ વરસમાં તો એમને ઘેર પારણું ઝૂલતું થઈ ગયું. શંકર ભગવાને એમને એક સુંદર બાળક-દીકરો આપ્યો.

આમ શંકર ભગવાનની કૃપાથી તેમના જીવનમાં આનંદ છવાઈ ગયો.

હે મહાદેવજી ! આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વત જેવું કરું. તેવું ઘા કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો.

શ્રાવણ માસ: ભાખરિયો સોમવાર

આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે. વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી. તે દિવસે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી, મહાદેવજીને ભાખરીનું નૈવેધ ધરાવવું, ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.

શ્રાવણ માસના ભગવાન શંકરને લગતાં વ્રતો

એક ગામ હતું. તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અને ગૌરી નામની પત્ની હતી. સોમેશ્વર બ્રાહ્મણ ઘણો વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી. તે પતિની સેવા કરતી, પતિ જે કાંઈ ભિક્ષા માગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તેઓ હંમેશાં એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ-પત્નીને ભૂખ્યા રહેવું પડતું. બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ કંટાળી ગયાં હતાં,

પરંતુ કરવું શું? એક દિવસે તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહિ. એટલે બ્રાહ્મણ-બ્રાહ્મણી મૂંઝાયાં કે ‘આજે ભૂખ્યા માણસને

ખવડાવવું શું?’ આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું.

બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા.

બ્રાહ્મણ થોડો ખચવાયો. તેને થયું કે બ્રાહ્મણને શું આપું ? એ તો ચિંતામાં પડી ગયો. એ સંન્યાસીના પગે પડયો અને પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યો :

“હે બ્રાહ્મણ ! તું ભાખરિયા સોમવારનું વ્રત કર, તારું દુઃખ જરૂર દૂર થશે.”

“મહારાજ! તે વ્રત કેવી રીતે થાય તે જણાવો.”

સંન્યાસી બોલ્યા: “શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો, અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું. પ્રત્યેક સોમવારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો મહાદેવજીને ચડાવવાં અને તેમનું પૂજન કરવું, કથા-વાર્તા સાંભળવી, પછી જ એકટાણું કરવું. પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી. તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી, બે ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપર્વી. બાકી વધેલ બે ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી. ભગવાનને નૈવેદ્ય ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી.”

કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અગદાન આપવું. આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.” આમ કહી સંન્યાસી અંતર્ધ્યાન થઈ ગયા.

બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. વ્રત કરવાથી દિવસે દિવસે તેમની હાલત સુધરતી ગઈ. કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કર્યું.

શ્રાવણ માસના આ ભાખરિયા સોમવારના વ્રતથી બ્રાહ્મણ-બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયાં ને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યાં. હે ભોળાનાથ ! ભાખરિયા સોમવારના વતથી જેવા બ્રાહ્મણ- બ્રાહ્મણીને ફળ્યા તેવા વત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.

2 thoughts on “શ્રાવણ માસ: સાકરિયો સોમવાર અને ભાખરિયો સોમવાર 2024”

Leave a Comment