સોળ સોમવાર નું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ-પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ‘ૐ નમઃ શિવાય – ૐ નમઃ શિવાય’ એમ બોલવું. આ વ્રત દરેક નરનારી કરી શકે છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે.
એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠાં. આ રમતમાં ‘કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે ?’ એનો વિચાર શંકર-પાર્વતી કરવા લાગ્યાં. એટલામાં આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતાં શંકર-પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું.
એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, : “કોણ હાર્યું? કોણ જીત્યું ?” “પ્રભુ ! આપ જીત્યા અને માતાજી હાર્યાં.” બ્રાહ્મણે કહ્યું. બીજી બાજી પાર્વતી જીતી ગયાં. તેમણે બ્રાહ્મણને પૂછ્યું : “કોણ હાર્યું ? કોણ જીત્યું?”
“મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યાં.”
ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયાં… અને બ્રાહ્મણને પૂછતાં તે ફરી વાર જૂઠું બોલ્યો. કારણ એને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજીને ક્રોધ ચઢ્યો અને તેમણે બ્રાહ્મણને શાપ આપ્યો :
નાગપંચમી ની વ્રત કથા ; સોળ સોમવાર ની વાર્તા
“હે બ્રાહ્મણ ! ત્રણ બાજીમાંથી હું બે બાજી જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો, હું તને શાપ આપું છું કે ‘તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે.’
મા પાર્વતીના શાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો.બ્રાહ્મણે શાપમુક્ત કરવા માટે શંકર-પાર્વતીને ખૂબ જ આજીજી કરી, માફી માંગી, પણ બધું વ્યર્થ. શંકર-પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયાં.
તપોધન બ્રાહ્મણ તો રોતો—કકળતો ત્યાંથી ચાલી. નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતાં તેણે સર્વ હકીકત જણાવી, ને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું. બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી* નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો. મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો, એટલે ઘોડો બોલ્યો: “ભાઈ, તમે કેમ રડો છો ? અને રડતા રડતા ક્યાં જાવ છો?”
બ્રાહ્મણે કહ્યું : “મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે. તેનું નિવારણ કરવા જાઉં છું.”
ઘોડો બોલ્યો : “ભાઈ ! મારું પણ એક કામ કરતાં આવજો. હું આટલો બધો રૂપાળો ને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી. તમે મારાં પાપનું નિવારણ પૂછતાં આવજો.”
“સારું.” કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો.
આગળ જતાં બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું :
બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી એટલે ગાય બોલી : “ભાઈ! હું પણ ઘણી દુ:ખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ મને કોઈ દોહતું નથી કે મારાં વાછરડાં મને ધાવતાં નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.”
“સારું.” કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો.
થોડેક આગળ જતાં બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો. તે આંબા ઉપર કેરીનાં લૂમખાં બાઝેલાં હતાં. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. ત્યાં આંબાને વાચા થઈ. તેણે બ્રાહ્મણને કહ્યું: “ભાઈ! તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તું સાંભળતો જા. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો.”
“સારું.” આમ કહી તે થોડીક વાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો.
આગળ જતાં રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઊતર્યો, ત્યાં જ એક મગર આવી ચઢ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું : “ભાઈ! હું આ શીતળ પાણીમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે. તમે મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.”
સોળ સોમવાર ની વાર્તા અન્ય ભાષા માં વાંચવા માટે ભાષા પસંદ કરો
“સારું.” કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો. તેણે ખૂબ જ કઠિન તપ કર્યું. આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યાં અને વરદાન માગવા કહ્યું.
બ્રાહ્મણે કહ્યું: “હે મહાદેવજી! મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો.”
“હે ભૂદેવ ! જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય, અને તું માતાજીના શાપમાંથી મુક્ત થાય.”
“પ્રભુ ! મારે આ વ્રત કેવી રીતે કરવું ?”
મહાદેવજી બોલ્યા: “હે ભૂદેવ ! આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ, મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી.
દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય, ત્યાં સુધી સોમવાર કરવા.
સોળમા સોમવારે સાડાચાર શેર ઘઉંના લોટમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના ચાર ભાગ પાડો. એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજો, બીજો ભાગ રમતાં બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો, અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કરી કીડિયારું પૂરજો, અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. સોળ સોમવારનું આ વ્રત જો શ્રધ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે.
કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી, ત્યારે શંકર ભગવાને કહ્યું: “આ ઘોડો આગલા જનમમાં વાણિયો હતો. તે તોલમાપના ખોટા કાટલાં રાખી લોકોને છેતરતો હતો, અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસુલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડેસવારી કરે, તો એની બધી તકલીફ દૂર થઈ જશે.”
પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું : “આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી. તે પોતાના ધાવતાં બાળકને પણ છૂટા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે, તો એનું બધું દુઃખ દૂર થઈ જશે.”
પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું, ત્યારે શંકર ભગવાને કહ્યું : “પૂર્વજન્મમાં તે ખૂબ લોભિયો હતો. તેની પાસે ઘણી ધનદોલત હોવા છતાં તે દાન-પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે, એ કાઢીને તું એ ધન સત્કાર્યમાં વાપરજે, તો એનું બધું દુઃખ દૂર થઈ જશે.”
પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું, ત્યારે શંકર ભગવાને કહ્યું : “ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્રવિદ્યા શિખવાડતો નહિ. આથી તે આ જનમમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડકાડીશ, તો તેની બધી બળતરા દૂર થઈ જશે.”
આમ બધાનાં દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી, શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈ ચાલી નીકળ્યો.
સૌ પ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલ બીલીપત્ર મગરની આંખે અડાવ્યું, કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ.
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી, આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તેને અમૃતનો ઓડકાર આવ્યો.
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુ:ખ દૂર થઈ ગયું. તેનાં વાછરડાં રમતાં-રમતાં આવીને ગાયને ધાવવાં લાગ્યાં.
સોળ સોમવાર ની વાર્તા અન્ય ભાષા માં વાંચવા માટે ભાષા પસંદ કરો
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. ઘોડા ઉપર સવારી કરીને કહ્યું: “હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે.”
સમય જતાં શ્રાવણ માસ આવ્યો, એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું. જોતજોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા.સોળમા સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેમ કંચન જેવી થઈ ગઈ. તેનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો.
પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો, ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ- દેશાવરના રાજકુંવરો અલંકાર—વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણે કોઈને પૂછતાં જાણવા મળ્યું કે ‘આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે.’
તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથણી વરમાળા લઈને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી, તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઊઠ્યા: “હાથણી ભૂલે છે, ચૂકે છે.”
રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો. હાથણીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી. હાથણી વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ગળામાં આરોપી. આખી રાજસભા બોલી ઊઠી: તે થાય.” ભગવાને ધાર્યું હોય.
તમે વાંચી રહ્યા છો સોળ સોમવાર ની વાર્તા; આવી જ બીજી વાર્તાઓ ગુજરાતી તથા અન્ય ભાષાઓ માં પણ ઉપલબ્ધ છે, વાંચવા માટે અહીં ક્લિક કરો.
રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા.
બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લઈ આવ્યો. બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને
જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેને જારના દાણા લઈ વધાવવા ગયાં, પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું.
થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત ફરી કર્યું. કારતક માસ પૂરો થતાં સોળમો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોળ સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી.
રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકાભઠ્ઠ કોઠા જેવા લાડુ તે કાંઈ ખાતા હશે? એણે તો બત્રીસ જાતનાં પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી.
રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા. તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યાં પેટે સૂઈ ગયા.
એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા : “હે રાજા ! તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે.”
સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો, અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી.
રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાંચણ રહેતી હતી. તેણે ઘાંચણ પાસે પાણીની માગણી કરી. ઘાંચણે તેને પાણી આપ્યું, એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાંચણને રાણી ઉપર દયા આવી ને તેને પોતાની સાથે રાખી. ત્યાં તો ઘાંચણનાં તેલનાં કુલ્લાં ઢળી ગયાં અને ઘાંચી માંદો પડ્યો. આ જોઈ ઘાંચણે કહ્યું: “બહેન ! તારા આવવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા.”
રાણી ત્યાંથી ચાલી નીકળી. તે એક ડોસીના ઘેર આવી પોતાના દુ:ખની વાત કરી. ડોશીને તેના ઉપર દયા આવી અને પોતાને ઘેર રાખી. ડોશી રેંટિયો કાંતતી હતી. રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા, ને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી.
રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માગ્યું. પનિહારીએ માટલું કૂવામાં ઉતાર્યું, પણ ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું. પનિહારીએ તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી.
ત્યાંથી રાણી ચાલતાં ચાલતાં એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી. આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો. તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડાં બની ગયાં.
સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેમણે રાણીને કહ્યું : “બેટા ! તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર.” પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતાં વ્રતની શરૂઆત કરી. તે પૂરી શ્રદ્ધાથી ઋત ફરવા લાગી. જોતજોતામાં સોળમો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું.
રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું : “તારી રાણીએ સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના પર ખૂબ પ્રસન્ન થયો છું, હવે તેને તું તારા મહેલમાં લઈ આવ.”
બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયાં. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતાં કહ્યું : “આ મારા પતિદેવ છે. તેઓ મને તેડવા આવ્યા છે, મને જવાની રજા આપો.”
સાધુ મહારાજે તેને રજા આપતાં કહ્યું : “બેટી, હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી વડે તું ગમે તેનું દુ:ખ દૂર કરી શકીશ.”
રાજા-રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યાં. રસ્તામાં પનિહારી પાણી વગર કુવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડુ પાણી કૂવામાં નાખતાં કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતાં રાજા-રાણી પેલી ડોશીના ઘેર આવ્યાં. પછી મંત્રેલા જળનાં છાંટણાં રેંટિયા ઉપર નાખતાં લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજી રાજી થઈ ગયાં.
ત્યાંથી રાજા-રાણી ધાંચણના ઘેર આવ્યાં. રાણીના આવવાથી ઘાંચણને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાંચી પણ સાજો થઈ ગયો.
સોળ સોમવાર ની વાર્તા
ભગવાન શંકરને લગતાં ત્યાંથી રાજા-રાણી પોતાના મહેલમાં પાછા ફર્યાં. રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યાં. રાણીએ કહ્યું: “મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે.” બધા જમીને ઊઠ્યા. વાત કોને કહેવી ? વાત ભૂખ્યા માણસને જ કહેવાય.
રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ-વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યાં તો ડોશીમા કહે : “હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું, શી રીતે આવું ?”
રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલે તેડાવ્યાં, પછી રાજાએ કહ્યું : “ડોશીમા ! તમે સાંભળો તોય ‘મહાદેવજી’ કહેજો, ના સાંભળો તોય ‘મહાદેવજી કહેજો.’ રાણીએ વાત કહેવા માંડી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીનાં બધાં અંગો સરખાં થઈ ગયાં. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી, કેડે સીધી થઈ ગઈ.
રાણીએ કહ્યું : “માજી ! આ બધો ય પ્રતાપ તો મહાદેવજીનો છે!”
ડોશી ચાલતાં ચાલતાં ઘેર પહોંચ્યાં. ડોશીના દીકરાએ કહ્યું : “માડી ! તમને આવું રૂડું કોણે કર્યું ?”
માએ કહ્યું: “મને મહાદેવજીની વાત સાંભળે આવાં ફળ મળ્યાં, તો આ વ્રત કરે તેનાં કેવાં ફળ મળતાં હશે?” પછી ડોશીએ તેના દીકરા-વહુને આ વ્રત કરવાનું જણાવ્યું.
સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા-રાણીએ તેને ગાદી પર બેસાડયો. તે પણ માતા-પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો.
હે મહાદેવજી ! તમે જેવાં રાજા-રાણીને ફળ્યાં તેવાં આ વ્રત કરનાર સૌને ફળજો.
16 સોમવાર નું વ્રત સળંગ બધા સોમવારે કરવાનું હોય કે જો વચ્ચે થી અમુક સોમવાર રહી જાય તો ચાલે?
જરૂરી નથી કે તમે સોમવાર સળંગ રહો, માન્યતા અલગ અલગ હોય છે, પણ એવું કહેવાય છે કે સ્ત્રીઓ માસિક ધર્મ માં સોમવાર ના રહે તો સારું.હા પણ સોમવાર સોળ થવા જોઈએ, બને ત્યાં સુધી સોમવાર સળંગ રહો તો વધુ સારું.